વાવ શહેર સહિત આસપાસનાં 20 થી વધુ ગામોના લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાના હેતુથી રૂ. 100 કરોડથી વધુના ખર્ચે આધુનિક પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ચાર એકર જમીનમાં આકાર લઈ રહેલા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની કામગીરી હાલ પ્રગતિમાં છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાવ શહેર અને આસપાસનાં ગામોમાં પીવાના પાણીની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળવાની આશા સેવાઈ રહી છે. વાવ શહેર અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી અનિયમિત પાણી પુરવઠાની સમસ્યા જોવા મળતી હતી. નાગરિકોને નિયમિત અને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે સ્થાનિક સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. સરપંચ ભરતસિંહ સોઢાએ પણ પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે રજૂઆતો કરી હતી. આ રજૂઆતો ધ્યાનમાં લઇ અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ મંત્રી સ્વરૂપજી ઠાકોરે રસ દાખવતા રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવતાં સ્થાનિક લોકોમાં આશા જાગી છે.પ્રોજેક્ટ અંતર્ગત પાણીના સંગ્રહ અને શુદ્ધિકરણ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. યોજનામાં બે મોટી પાણીની ટાંકીઓ, બે સંપ અને પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું નિર્માણ કરવાનું આયોજન છે. મળતી વિગતો મુજબ, પાણીની ટાંકીઓની ક્ષમતા અનુક્રમે 20 લાખ અને 10 લાખ લિટર રાખવામાં આવશે, જ્યારે સંપની ક્ષમતા 30 લાખ અને 50 લાખ લિટર જણાવવામાં આવી છે.હાલ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. બાંધકામ અને અન્ય જરૂરી કામગીરી પૂર્ણ થયા બાદ પાણીના સંગ્રહ, શુદ્ધિકરણ તથા વિતરણની વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે. આ યોજનાથી વાવ શહેર ઉપરાંત આસપાસનાં ગામોના લોકોને પણ લાભ મળવાની સંભાવના છે.સ્થાનિક લોકોમાં એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને નાગરિકોને નિયમિત રીતે શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. વાવ વિસ્તાર માટે આ પ્રોજેક્ટ પીવાના પાણીની સુવિધા સુધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો