વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં ફ્રજ બજાવતા એક પોલીસ કર્મચારીનો સામાન્ય નાગરિક સાથે ઉદ્ધત વર્તન અને મારપીટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગની કામગીરી અને શિસ્ત સામે અનેક સવાલો ઊભા થયા છે.આ વીડિયો થરાદ સચોર હાઈવે પર આવેલા વાતડાઉ ચેક પોસ્ટનો હોવાનું જાણવા મળી રહ્યુ છે.ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ વડા પગલાં ભરશે ખરા તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિના સમયે ચેકિંગ દરમિયાન એક યુવક પોલીસ સાથે વાતચીત કરી રહ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોલીસ કર્મચારી યુવકને નામ લખાવવા માટે દબાણ કરી રહ્યા છે. જ્યારે યુવકે પ્રશ્ન પૂછયો ત્યારે ઉશ્કેરાયેલા પોલીસ કર્મીએ તેની સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. યુવક જ્યારે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીએ અચાનક ઉભા થઈને યુવક પર હાથ ઉપાડયો હતો અને તેની સાથે ઝપાઝપી કરી હતી. આ સમગ્ર ઘટના ત્યાં હાજર અન્ય વ્યક્તિએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. વીડિયોમાં યુવક સાહેબ, મારશો નહીં એવી વિનંતી કરતો પણ સંભળાઈ રહ્યો છે, તેમ છતાં પોલીસ કર્મચારી દ્વારા તેને ધમકાવવામાં આવ્યો હતો.આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રક્ષક જ જો ભક્ષક બનશે તો સામાન્ય જનતા કોની પાસે જશે.? સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો શેર કરીને લોકો જવાબદાર પોલીસ કર્મી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.ત્યારે હવે જોવાનું એ રહે છે કે જિલ્લા પોલીસ વડા આ મામલે તપાસના આદેશ આપીને સંબંધિત પોલીસ કર્મચારી સામે કેવા પ્રકારના પગલાં ભરે છે કે કેમ તે તો આગામી સમયમાં ખબર પડે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો