ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.(GLPC) દ્વારા ગ્રામીણ કલા-કારીગરી અને મહિલા સ્વસહાય જૂથોના આર્થિક સશક્તિકરણને વેગ આપવાના ઉમદા આશયથી થરાદ બસ સ્ટેશન પરિસરમાં નવનિર્મિત 3 ગ્રામ હાટનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ નવનિર્મિત ગ્રામ હાટના સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લઈને મહિલાઓ દ્વારા પ્રદર્શિત હાથવણાટ, ગૃહઉદ્યોગ, શુદ્ધ મધ અને ઘી જેવા ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન મહિલા સ્વસહાય જૂથોના લાભાર્થીઓને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ હેઠળ સહાયના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતાં વિધાનસભા અધ્યક્ષશંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, છેવાડાના અને સરહદી વિસ્તારની બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બને તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરતાં બસ સ્ટેન્ડ જેવા ધમધમતા જાહેર પરિસરમાં ગ્રામ હાટ શરૂ થવાથી સ્થાનિક બહેનોના ઉત્પાદનોને વચેટિયાઓ વિના સીધું અને મોટું બજાર મળશે, જેનાથી તેમની આવકમાં નોંધપાત્ર વધારો થશે.થરાદ નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને ઘરેબેઠાં શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રૂ. 21 કરોડના ખર્ચે ઓવરહેડ ટાંકી, સંપ, ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પાઇપલાઇન નેટવર્ક ઊભું કરાશે. આ પ્રોજેક્ટ માટે જમીનની મંજૂરી મળી ગઈ છે અને દોઢ વર્ષનો આ પ્રોજેક્ટ આગામી એક જ વર્ષમાં પૂર્ણ કરાશે. સરહદી વિસ્તારમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત કરવા આધુનિક ફાયર સ્ટેશનની જાહેરાત કરવામાં આવી હતી. 3 થી 4 ફાયર ફાઈટર અને આધુનિક સંસાધનો સાથે આ ફાયર સ્ટેશન 24 કલાક કાર્યરત રહેશે.રૂ. 3 કરોડથી વધુના રોડ-રસ્તાના કામોઃ નગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં મારવાડી બોર્ડિંગથી બસ સ્ટેન્ડ સુધીનો વર્ષો જૂનો બિસ્માર માર્ગ દિવાળી અને નૂતન વર્ષ પૂર્વે નવો તૈયાર કરવામાં આવશે.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, ઈ.ચા કલેકટર કલ્પેશ શર્મા, પૂર્વ સાંસદ પરબત પટેલ, અધિક નિવાસી કલેકટર તુષાર જાની, ચીફ્ ઓફ્સિર વિપુલ પરમાર સહિત વેપારી મંડળના સભ્યો, સ્થાનિક સખી મંડળની બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
