ઉમરેઠ તાલુકાના પરવટા ગામ પાસે નહેરના ગરનાળાના સમારકામને પગલે આપવામાં આવેલા ડાયવર્ઝન પર ચોખા ભરેલી ટ્રક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે જાનહાનિ ટળી છે. મળતી માહિતી મુજબ હરિયાણાથી ચોખાનો જથ્થો ભરીને મુંબઈ તરફ્ જઈ રહેલી ટ્રક વહેલી સવારે પરવટા પાસે ડાયવર્ઝન પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ડાયવર્ઝનના કારણે ટર્ન લેતી વખતે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ટ્રક ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ, નહેરના ગરનાળાના સમારકામને કારણે વાહનચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ આશરે અડધા કિલોમીટર સુધી ડાયવર્ઝન અંગેના સૂચક બોર્ડ કે રિફ્લેક્ટર લગાવવામાં આવ્યાં નથી. ખાસ કરીને વહેલી સવારે અંધારાના કારણે ડાયવર્ઝનનાં ચિહનો સ્પષ્ટ ન દેખાતાં વાહનચાલકોને રસ્તાનો અંદાજ મેળવવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે ટ્રકચાલકને ડાયવર્ઝનનો યોગ્ય અંદાજ ન આવતાં અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ ડાયવર્ઝનના કારણે અગાઉ સિમેન્ટ ભરેલું ડમ્પર પણ પલટી મારી ચૂક્યું છે અને હવે ચોખા ભરેલી ટ્રક પલટી મારવાની બીજી ઘટના સામે આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો