ઉમરેઠ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગના સહયોગથી ઉમરેઠ બસ સ્ટોપ ખાતે સખી મંડળોની બહેનો માટે ગ્રામ હાટ પ્રદર્શન અને વેચાણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ગ્રામ હાટના માધ્યમથી તાલુકાના વિવિધ સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી હાથ બનાવટની ચીજવસ્તુઓ તથા અન્ય સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ પૂરું પાડવામાં આવ્યું છે. આ પહેલથી મહિલાઓની કલા, કૌશલ્ય અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળવાની સાથે તેમની આર્થિક આત્મનિર્ભરતાને પણ વેગ મળશે. ગ્રામ હાટમાં લીંગડા ગામના અર્શ સખી મંડળ દ્વારા જ્વેલરી, શીલી ગામના કાજલ સખી મંડળ દ્વારા તોરણ, સંતોષી સખી મંડળ દ્વારા પાણીપુરીનાં પેકેટ, શ્રી હરિ સખી મંડળ દ્વારા સાબુ અને અગરબત્તી તથા જાખલા ગામના પ્રકૃતિ સખી મંડળ દ્વારા ઓર્ગેનિક શાકભાજી સહિતની વિવિધ ચીજવસ્તુઓ વેચાણ માટે મૂકવામાં આવી છે.ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર મળી રહે અને તેમની આવકમાં વધારો થાય તે હેતુથી શરૂ કરાયેલું આ ગ્રામ હાટ મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહેશે. સાથે જ સ્થાનિક સ્તરે ઉત્પાદિત થતી ચીજવસ્તુઓને પ્રોત્સાહન મળવાથી સખી મંડળોની બહેનોને સ્વરોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે.આ પહેલથી ઉમરેઠ તાલુકાની મહિલા સ્વસહાય જૂથોની બહેનોને પોતાની આવડત અને મહેનતને વ્યવસાયમાં પરિવર્તિત કરવાની તક મળશે તેમજ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થશે. ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમાર સહિત તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચો, પાલિકાના પ્રમુખ તથા કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં ગ્રામ હાટની કેબિનનું ઉદઘાટન કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો