ગુજરાત રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો તથા આચાર્યો પર વધી રહેલા ઓનલાઈન અને બિન-શૈક્ષણિક કામગીરીના ભારણને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક વિસ્તૃત પત્ર લખીને ગંભીર રજૂઆત કરવામાં આવી છે. સંગઠને અગાઉ તા. 16-09-2026 ના રોજ કરેલી રજૂઆતનો સંદર્ભ આપતા જણાવ્યુ હતું કે, એક નમૂનારૂપ શાળાના અભ્યાસ મુજબ ઓનલાઈન તથા વહીવટી કામગીરી પાછળ વાર્ષિક આશરે 1,00,740 મિનિટ એટલે કે 1,679 કલાક અથવા 210 કાર્યદિવસ જેટલો કિંમતી માનવસમય વપરાઈ જાય છે. એક જ માહિતી અલગ-અલગ પોર્ટલ પર વારંવાર ભરવી, ટૂંકી સમયમર્યાદામાં ડેટા એન્ટ્રી માંગવી અને શાળા સહાયકના અભાવે શિક્ષકોને વહીવટી કામો કરવા પડતા હોવાથી તેમના મૂળભૂત શિક્ષણ આપવાના કાર્ય પર ગંભીર અસર પડી રહી છે. કપરાડાના આચાર્યની આત્મહત્યા અંગે ગંભીર ચિંતા સંગઠને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નીલોશી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા સતત ઓનલાઈન કામગીરીના ભારણ અને માનસિક તણાવના કારણે કરવામાં આવેલી આત્મહત્યાની દુઃખદ ઘટના અંગે ઘેરા શોકની સાથે ગંભીર ચેતવણી વ્યક્ત કરી છે. સંગઠને મૃતક આચાર્ય શંકરભાઈ જાદવના પરિવારને સંવેદના વળતર સ્વરૂપે નાણાકીય સહાય આપવા અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માગણી કરી છે.
