ઉમરેઠ નગરમાં ચોરીની એક ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉમરેઠના ઓડ ચોકડી પાસે આવેલા આધાર સુપર માર્કેટ મોલમાં ચોરીની ઘટના બનતાં વેપારી આલમ સહિત સ્થાનિક નાગરિકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં ચોરીની ઘટના બની છે તે સ્થળ પોલીસ ચોકીથી માત્ર 250 ફૂટ જેટલા અંતરે આવેલું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ચોકીની આટલી નજીક ચોરીની ઘટના બનતાં નગરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ઉમરેઠ ગામમાં ચોરી ની આ ઘટનાને પગલે ઉમરેઠના વેપારી વર્ગમાં પણ સવાલો ઉઠી રહ્યા છે કે જો પોલીસ ચોકીની નજીક આવેલાં વ્યવસાયિક સ્થળો સુરક્ષિત ન હોય તો નગરના અન્ય વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિ કેવીહશેરાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન નજર રાખવાની જરૂરિયાત પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે. આધાર સુપર માર્કેટમાં બનેલી ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે, આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવે અને ચોરીમાં સંડોવાયેલા શખ્સોને વહેલી તકે ઝડપી પાડવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. સાથે જ ઉમરેઠ નગરમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે અને વેપારીઓને સુરક્ષાની ખાતરી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. પોલીસ ચોકીથી માત્ર 100 ફૂટના અંતરે ચોરીની ઘટના બનતાં હવે ઉમરેઠમાં વેપારીઓ અને નાગરિકોની સુરક્ષાને લઈને ચર્ચા તેજ બની છે. તસ્કરોને કાયદાનો ડર રહ્યો છે કે કેમ તેવો સવાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે. હવે પોલીસ તંત્ર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો