ઓડ પાલિકામાં ઇન્દિરાનગરી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીનો પુરવઠો ખોટકાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટેકરા વિસ્તારમાં રહેતા અંદાજે 40 પરિવારોને પાણી ન મળતાં મહિલાઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતાં મહિલાઓએ પાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક રહીશો મુજબ, છેલ્લા બે અઠવાડિયાથી વિસ્તારમાં નળ દ્વારા પાણી આવતું નથી. પરિણામે મહિલાઓને ઘરનાં રોજિંદાં કામકાજ છોડીને દૂરથી પાણી લાવવાની ફરજ પડી રહી છે. બાળકોને શાળાએ મોકલવા, રસોઈ બનાવવા સહિતની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, 15 દિવસથી પાણી ન આવતાં પરિવારજનોની હાલત કફોડી બની છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી, તો નિયમિત વેરો ભરવા છતાં લોકોને પીવાના પાણી જેવી પાયાની સુવિધા મળતી નથી. જો આગામી બે દિવસમાં પાણીનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો તમામ મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે એકત્ર થઈ માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. બીજી તરફ્ નગરપાલિકાના અધિકારીના મુજબ, ટેકરા વિસ્તારમાં પાણીની લાઇનમાં ટેકનિકલ ખામી અથવા ઓછા દબાણને કારણે સમસ્યા સર્જાઈ હોવાનું ધ્યાને આવ્યું છે. આ અંગે ટેકનિકલ ટીમને તપાસ અને સમારકામ માટે સૂચના આપવામાં આવી છે. લાઇનનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટેન્કર મારફ્તે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.જોકે, 15 દિવસથી પાણી માટે વલખાં મારતા પરિવારોને હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ તાત્કાલિક પાણી પુરવઠો મળે તેવી અપેક્ષા છે. નગરપાલિકા તંત્ર બે દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી મહિલાઓએ માટલા ફોડ આંદોલન કરવાની ફરજ પડે છે તે જોવું રહ્યું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો