ઉમરેઠ તાલુકાની આગામી ગ્રામ પંચાયત ચૂંટણીઓનો રાજકીય માહોલ અત્યારથી જ ગરમાવા લાગ્યો છે. તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના અનામત રોટેશન અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ગામેગામ રાજકીય સમીકરણો બદલાવા લાગ્યાં છે. ખાસ કરીને મહિલા અનામતની બેઠકો જાહેર થતાં તાલુકાની 14 ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ બનવાનો માર્ગ મોકળો થયો છે. બીજી તરફ્ ઓબીસી સહિત વિવિધ કેટેગરીની બેઠકોની ફાળવણી થતાં સંભવિત ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓએ જોર પકડયું છે. આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-51 હેઠળ અનામત રોટેશનનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા બિનઅનામત સામાન્ય કેટેગરી મુજબ સરપંચ પદની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જાહેરનામા મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે કુલ 11 બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં ઘોરા, ખોરવાડ, મેઘવા (બડાપુરા), નવાપુરા, પણસોરા અને સરદારપુરા મહિલા અનામત હેઠળ રાખવામાં આવ્યાં છે. જ્યારે શીલી, સુંદલપુરા, સુરેલી, તારપુરા અને થામણા સામાન્ય કેટેગરીમાં રાખવામાં આવ્યાં છે. બીજી તરફ્ બિનઅનામત સામાન્ય કેટેગરીમાં કુલ 25 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અહીંમા, અરડી, આશીપુરા, દેવરામપુરા, ગંગાપુરા, હમીદપુરા, જાખલા, જીતપુરા, પરવટા, પ્રતાપપુરા, રતનપુરા, સૈયદપુરા, ઉંટખરી અને ઝાલા બોરડીમાં મહિલા અનામત જાહેર કરવામાં આવી છે. જ્યારે બડાપુરા, બાજીપુરા, બેચરી, ભાલેજ, ભરોડા, ભાટપુરા, દાગજીપુરા, ધોળી, ધુળેટા, ફ્તેપુરા, ખાંખણપુર અને ખાનકુવા સહિતની ગ્રામ પંચાયતોમાં સામાન્ય કેટેગરીની બેઠકો ફાળવવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો