ઉના તાલુકાના કાણકબરડા ગામની સીમમાં આવેલી સંજયસિંહ રમુભા રાઠોડની આંબાવાડીમાંથી અંદાજે 8 ફૂટ લાંબો મહાકાય અજગર મળી આવતા ભારે દોડધામ મચી ગઈ હતી. વાડીમાં રાબેતા મુજબ ખેતીકામ કરી રહેલા મજૂરોની નજર અચાનક કદાવર અજગર પર પડતા ગભરાટ ફેલાયો હતો અને તેઓ તાત્કાલિક કામ અટકાવી સલામત સ્થળે ખસી ગયા હતા.વાડી માલિકે તુરંત વન વિભાગને જાણ કરતા કર્મચારી ભરતભાઈ ગોહિલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સાવચેતીપૂર્વક અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરતા મજૂરો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે અજગરને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજહાથ ધરી છે.
