કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલએ રાજકોટમાં ચાલી રહેલી જલ કથામાં હાજરી આપીને જળ સંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે જળ સંચય એ આજના સમયનું સૌથી મોટું કાર્ય છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ વધારવું અનિવાર્ય છે. તેમણે 6 સપ્ટેમ્બર 2024ના રોજ વડાપ્રધાને કરેલી જલ આંદોલનની અપીલને યાદ કરી અને જણાવ્યું કે 31 મે 2025 સુધીમાં જળ બચાવવા માટે ૩૫ લાખ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા છે.


વડાપ્રધાનની અપીલ અને કામગીરી

સી.આર. પાટીલે સ્પષ્ટ કર્યું કે હાલના સમયમાં નવા ડેમ બનાવવાનું કાર્ય અત્યંત ખર્ચાળ (એક ડેમ માટે ₹૨૫ હજાર કરોડ) અને સમય માંગી લેનારું (૨૫ વર્ષ) છે, અને મેઘા પાટકર જેવા વિરોધોને કારણે મુશ્કેલીઓ પણ સર્જાય છે. આથી, જનભાગીદારી થકી જમીનમાં પાણી ઉતારવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે સુરત અને રાજકોટમાં પાણી બચાવવાના પ્રયાસોની નોંધ લીધી અને ભારપૂર્વક જણાવ્યું કે ગામનું અને ખેતરનું પાણી જમીનમાં ઉતારીને ભવિષ્યની પેઢી માટે જળ સુરક્ષિત કરવું જરૂરી છે. તેમણે બનાસકાંઠાના ખેડૂતોની જનભાગીદારીના ઉદાહરણને બિરદાવ્યું હતું.

સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પાણીની સ્થિતિ

તેમણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરી, જે 1,11,111 જળ સ્ટ્રક્ચર, નવા ચેકડેમ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે સંકલ્પબદ્ધ છે. રાજકોટમાં પાણીની તકલીફ દૂર થઈને જળાશયો દેખાય છે, જેમાં રાજ્ય સરકાર તરફથી ગીરગંગાને 15 કરોડના સાધનોની મદદ પણ આપવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત તત્વચિંતક કવિ અને કથાકાર ડૉ. કુમાર વિશ્વાસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભારતમાં પ્રાકૃતિક અવયવને ઈશ્વર માનવામાં આવે છે અને જળનો મુદ્દો વૈશ્વિક સ્તરે ગંભીર છે. તેમણે સૌરાષ્ટ્રમાં ગીર ગંગાના પ્રયાસથી થયેલા ગૌ સંરક્ષણ અને જળ સંચયના કાર્યને સરાહનીય ગણાવ્યું. રાજકોટના રેસકોર્સ મેદાનમાં ત્રણ દિવસીય તેમની જલકથા ચાલી રહી છે. સી.આર. પાટીલે અંતમાં જણાવ્યું કે સૌરાષ્ટ્રની ધરતી કૃષ્ણની ધરતી છે અને તેમણે કવિ કુમાર વિશ્વાસની કવિતાઓની પણ સરાહના કરી હતી.



વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: