ઊંઝા-મહેસાણા હાઈવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. હાઈવે પર સાઈડમાં ઉભેલી એક ટ્રક પાછળ પાછળથી આવતી અન્ય એક માલવાહક ટ્રક જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે પાછળની ટ્રકનો આગળનો ભાગ (કેબિન) સંપૂર્ણપણે દબાઈ ગયો હતો અને ડ્રાઈવર અંદર જ ફસાઈ ગયો હતો.

ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ

અકસ્માતની જાણ થતા જ ઊંઝા અને મહેસાણા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટ્રકની કેબિન પતરાની જેમ દબાઈ ગઈ હોવાથી ડ્રાઈવરને બહાર કાઢવો મુશ્કેલ હતો. ફાયર વિભાગના જવાનોએ કટર અને અન્ય સાધનોની મદદથી સતત 2 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અંતે ડ્રાઈવરને સહી-સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ડ્રાઈવર સારવાર હેઠળ

ઇજાગ્રસ્ત ડ્રાઈવરની ઓળખ અખિલેશ મોહનલાલ યાદવ (ઉંમર ૪૦ વર્ષ) તરીકે થઈ છે. અકસ્માતમાં તેમને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Gir Somnath: સોમનાથના દરિયાકાંઠે દેશભક્તિ અને રોમાંચનો સમન્વય, ભારતીય વાયુસેનાની પ્રખ્યાત SKAT ટીમ દ્વારા એરોબેટિક્સનું પ્રદર્શન