એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં મોટો ઘટાડો નોંધાતાં ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારોના વેકેશન બાદ બજાર ખુલતાની સાથે જ જીરાના ભાવમાં પ્રતિ મણે રૂ.400થી રૂ.500 સુધીનો ઘટાડો નોંધાયો છે. નવા વાવેતરની શરૂઆત અને વિદેશી નિકાસની માંગ નબળી પડતાં જીરાના બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉંઝા ગંજબજારમાં હાલ જીરાની આવક અને ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. દિવાળીના વેકેશન પહેલાં જીરાનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.5,200થી રૂ.5,500 સુધી બોલાતો હતો. જોકે, વેકેશન બાદ બજાર ફરી શરૂ થતાં જ ભાવમાં સીધો ઘટાડો નોંધાયો છે. હાલ જીરાના ભાવ ઘટીને પ્રતિ 20 કિલો રૂ.4,700થી રૂ.4,900ની આસપાસ પહોંચી ગયા છે. ભાવમાં થયેલા આ ઘટાડાથી જીરાનું વેચાણ કરવા આવતા ખેડૂતોને આર્થિક નુકસાનની ચિંતા સતાવી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉ ઓછા વરસાદની સ્થિતિ અને વાયદા બજાર એટલે કે,NCDEX માં સટ્ટાકીય તેજીને કારણે હાજર બજારમાં પણ જીરાના ભાવ ઊંચા ગયા હતા. જોકે, હાલ વિદેશી બજારોમાંથી નિકાસની માંગ નબળી પડતાં ભાવ પર દબાણ વધ્યું છે. બીજી તરફ્ નવા જીરાના વાવેતરની શરૂઆત થતાં આગામી સમયમાં બજારમાં પુરવઠો વધવાની શક્યતાને લઈને પણ ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. હાલ ઊંઝા માર્કેટયાર્ડમાં દરરોજ અંદાજે 8થી 10 હજાર બોરી જીરાની આવક નોંધાઈ રહી છે. એક તરફ્ બજારમાં આવક ચાલુ છે તો બીજી તરફ્ ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. આગામી દિવસોમાં વિદેશી નિકાસની માંગમાં સુધારો થાય છે કે નવા વાવેતરની અસરથી જીરાના ભાવમાં વધુ ઘટાડો થાય છે તેના પર ખેડૂતો અને વેપારીઓની નજર મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો