ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે કોઈપણ જાતની માન્ય ડિગ્રી કે લાઈસન્સ વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા એક બોગસ ડૉક્ટરને આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડયો છે. ટુંડાવ ગામના બારોટવાસ અમુંઢ રોડ પર આવેલા પોતાના જ રહેણાંક મકાનમાં આ બોગસ ડૉક્ટર ક્લિનિક ચલાવી લોકોની જિંદગી સાથે ચેડાં કરી રહ્યો હોવાની બાતમી મળતાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. સુણોક ડિસ્પેન્સરીના મેડિકલ ઓફ્સિર ડૉ. હર્ષ જગદીશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોગ્ય ટીમ અને પોલીસ સ્ટાફે સંયુક્તપણે ટુંડાવ ગામે આવેલા વિજયભાઈ શંકરલાલ અંબાલાલ બારોટ (ઉં.વ. 48)ના મકાનમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન આરોપી પોતાના ટેબલ પર સ્ટેથોસ્કોપ અને એલોપેથિક દવાઓ રાખીને દર્દીઓની સારવાર કરતો મળી આવ્યો હતો. તબીબી પ્રેક્ટિસ અંગે લાઈસન્સ કે ડિગ્રી માંગતા આરોપીએ પોતે માત્ર ધો-12 સુધી જ અભ્યાસ કર્યો હોવાનું અને કોઈ માન્ય ડિગ્રી ન હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ક્લિનિકમાંથી સ્ટેથોસ્કોપ, ડિજિટલ બીપી મીટર, એલોપેથિક દવાની સિરપ, ટેબ્લેટ્સ, ઇન્જેક્શન તેમજ આઇ.વી. સેટ સહિત કુલ રૂ. 17,580.12ની કિંમતનો મેડિકલ સાધન સામગ્રી અને દવાનો જથ્થો (કુલ 361 નંગ) મુદ્દામાલ તરીકે જપ્ત કર્યો છે. આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ શંકરલાલ બારોટ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 319(2) અને ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ શંકરલાલ બારોટ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 319(2) અને ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો