ઉંઝા તાલુકાના ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ સામે નાર્કોટિક્સ વિંગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ખાનગી બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સને ગાંજાના 37 ગ્રામ જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ.1,850ની કિંમતનો ગાંજો કબજે કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં નશીલા માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા અને એન.ડી.પી.એસ. સંબંધિત ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાના અનુસંધાને નાર્કોટિક્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. દવે તથા પીએસઆઈ આર.કે. મીર સહિતની ટીમ ઉનાવા અને ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે બે પંચોની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ઉનાવા વિસ્તારમાં બ્રસ્તાન કોલોની નજીક રહેતા શેખ અમીર કુતુભાઈ નામના શખ્સ પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો 37 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂ.1,850ની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. અધિનિયમ હેઠળગુનો નોંધવાની તથા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કાર્યવાહી નાર્કોટિક્સ વિંગના પીઆઈ એમ.એન. દવે, પીએસઆઈ આર.કે. મીર, એએસઆઈ ચેતનકુમાર નમટવરલાલ, પોલીસ કોન્સ્ટેબલ શંભુભાઈ દેવજીભાઈ, અબ્દુલગફર સૈયદઅલી અને મનુ સોમાજી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
