ઊંઝા નજીક વણાગલા ગામ જતા રસ્તામાં ખેરાલુ વિસ્તારમાંથી આવતી પુષ્પાવતી નદી પસાર થાય છે જ્યાં પુલ પણ આવેલો છે. આ નદીની આજુબાજુ કેટલીક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રોસેસિંગ કરેલું દુષિત અને ગંદું પાણી તે ફેક્ટરીઓના માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે છોડવામાં આવી રહ્યું છે, પરિણામે નદીમાં આ પાણીથી ભુગર્ભ જળ સ્તર ખતરામાં આવી ગયું જણાઈ રહ્યું છે. કારણકે આ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓના માલિકો દ્વારા જે રીતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં નિતી નિયમોને અનુસરવાનું પાલન ન કરતા હોવાથી અને અધિકારીઓ આંખ આડા કાન કરી ચલાવી રહ્યા છે. આ માટે નગરપાલિકા ઊંઝાનાં અધિકૃત અધિકારી અને પ્રમુખ રૂબરૂ મુલાકાત લઈને અહેવાલ તૈયાર કરે તો છેલ્લા પાંચ વર્ષથી એકધારૂ પ્રદુષિત પાણી વહી રહ્યું છે. જે ભાન્ડુ ગામ અને જેતલવાસણાનાં સીમાડેથી નદી પસાર થાય છે. ઐઠોર ગામનાં સંખારીયા રેલ્વે પુલ પાસે 2025ના વર્ષ દરમિયાન ચાર કરોડનાં ખર્ચે કોઝ-વે ડેમ બાંધેલો છે, ત્યાં આ પાણી ઠલવાય છે. આ નદી પુર આવે ત્યારે જ પાણી વહન કરે છે. બાકી અહિં કોઈ એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી કે, જેથી પાણી ઠાલવી શકાય, ધરોઇ જુથ પાણી પુરવઠા યોજનાનું પાણી પણ જો આ નદીમાં ઠાલવીને આ ચેક ડેમ ભરવામાં આવે તો જ ફાયદાકારક છે, પણ આવું પ્રદુષિત પાણી નદીમાં ઠાલવીને ડેમ ભરવાથી ભુગર્ભ જળ ખરાબ થશે અને લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થશે. આ બાબતે પાલિકા ચીફ્ ઓફ્સિરની મુલાકાત લેતા મીટીંગ ચાલતી હોવાથી વધુ જાણકારી મળી નથી. પશુ, પક્ષીઓ અને ખેડૂતો મશીનો દ્વારા આવા પાણીનો ઉપયોગ કરતા હોય તો તે નુકશાનકારક સાબિત થાય તેમ છે. ખરેખર તો પ્રદુષિત પાણીને પ્રોસેસીંગ કરી શુદ્ધ કરીને જ ઠાલવવામાં આવે તો જ જમીન, જંગલ અને પશુઓ માટે આશિર્વાદ સમાન કહેવાય બાકી હાલ આ પરિસ્થિતિ અનઅધિકૃત ચાલી રહી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: