ઊંઝા શહેરમાં ગાંધીચોક વિસ્તાર, કોલેજ વિસ્તાર,અને વિવિધ સોસાયટીઓ વિસ્તારમાં ભુગર્ભ ગટર નાખવા માટે અર્બન ડોવલપમેન્ટ ઓથોરીટી દ્વારા પ્લાન પાસ કરી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેના આધારે ખોદકામ કરી ગટર લાઈન નાંખવામાં આવી હતી પણ તેનું યોગ્ય રીતે પુરાણ કરવાને બદલે ખોદકામ ઉપર માટી કામ કરી મેટલિંગ કરી છોડી દેવાતાં રસ્તા ઉબડખાબડ થયા છે. પરિણામે વાહનચાલકો વાહનો લઇ જવામાં તકલીફે વેઠી રહ્યાં છે. ખોદકામ દરમિયાન ફજલ રેત અને કપચીની ડસ્ટ ઉડતા દુકાનદાર તથા રસ્તા પરથી પસાર થતા સામાન્ય લોકો પણ પરેશાન થઈ રહ્યા છે.
આ બાબતે ઉંઝા નગરપાલિકા બાંધકામ શાખાનાં ઈજનેર રાજેન્દ્ર પટેલને આ અંગે પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા આમાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ પ્લાન હેઠળ મંજૂર થયેલ ગ્રાન્ટમાંથી આ કામ થઈ રહ્યું છે.










