એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં નવી વરિયાળીની આવકના આજથી વિધિવત શ્રીગણેશ થયા છે. નવી સિઝનની પ્રથમ આવક થતાં જ માર્કેટયાર્ડમાં ખેડૂતો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને મુહૂર્તની હરાજીમાં નવી વરિયાળીના 20 કિલો દીઠ રૂ.44,111 જેટલો ઊંચો ભાવ બોલાતાં સમગ્ર યાર્ડમાં આનંદની લાગણી પ્રસરી હતી. ઉંઝા માર્કેટયાર્ડ ખાતે નવી વરિયાળીની પ્રથમ આવક પટેલ સુરજકુમાર ભરતભાઈની પેઢીમાં નોંધાઈ હતી. પરંપરા મુજબ યોજાયેલી મુહૂર્તની હરાજીમાં નવી વરિયાળીના 20 કિલો દીઠ રૂ.44,111નો ભાવ બોલાયો હતો. સિઝનની શરૂઆતમાં જ આટલો ઊંચો ભાવ મળતાં પોતાની મહેનતનો પાક લઈને આવેલા ખેડૂતના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. બીજી તરફ્, મુહૂર્તની હરાજી બાદ શરૂ થયેલી રેગ્યુલર હરાજીમાં પણ નવી વરિયાળીના સારા ભાવ નોંધાયા હતા. રેગ્યુલર હરાજીમાં નવી વરિયાળીના 20 કિલો દીઠ રૂ.7,000થી રૂ.10,000 સુધીના ભાવ રહ્યા હતા. વરિયાળીની આવકના પ્રારંભ સાથે જ આગામી દિવસોમાં માર્કેટયાર્ડમાં આવક વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સિઝનની શરૂઆતમાં મળેલા ઊંચા મુહૂર્તના ભાવે ખેડૂતોમાં આશા જગાવી છે, ત્યારે હવે આગામી દિવસોમાં વરિયાળીના બજારભાવ કેવો રંગ પકડે છે તેના પર ખેડૂતો અને વેપારીઓની નજર મંડાઈ છે.
