વડોદરાના અક્ષર ચોક સર્કલ પાસે મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જઈ રહેલા એક ડમ્પરની અડફેટે બાઈક સવાર 21 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં હાલોલની ખાનગી કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવકે પોતાનો જીવ ગુમાવતા ગાંધી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઓવરટેક કરવા જતાં સર્જાયો કાળમુખો અકસ્માત
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના પાદરામાં રહેતો શ્રીજી ધર્મેશકુમાર ગાંધી (ઉં. ૨૧) પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી એલેમ્બિક કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે નોકરી કરતો હતો. ગત ૩૧ જાન્યુઆરીના રોજ શ્રીજી પોતાની સેકન્ડ શિફ્ટની ફરજ પૂરી કરીને મોડી રાત્રે બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન અક્ષર ચોક સર્કલ પાસે ડમ્પરને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો અને શ્રીજી ડમ્પરની અડફેટે આવી ગયો હતો.
હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો
અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મોબાઈલ પરથી તેના પરિવારને જાણ કરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત શ્રીજીને સયાજી (SSG) હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. તેને છાતી, ડાબા પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલ પહોંચેલા તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર સાંભળતા જ હોસ્પિટલ ખાતે પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતાં જ જેપી રોડ પોલીસ મથકનો કાફલો સયાજી હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Morbi: પોલીસનો માનવીય અભિગમ, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 62.63 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો