આજે ગુરુવારે શહેરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ લખાય છે ત્યારે મોડી સાંજે પણ ઝરમર વરસાદ ચાલુ જ હતો. વરસાદ દરમિયાન એક ડઝન સ્થળે ઝાડ પડયાં હતા અને બે મકાનોનો ભાગ ધરાશાયી થયા હતાં. હજુ આવતીકાલ તા.24 અને તા.25 એમ બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. તેવી આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જિલ્લા કલેક્ટરે આવતીકાલ તા.24મીએ આંગણવાડીઓ, શાળા, કોલેજો, આઈટીઆઈ વિગેરેમાં આ દિવસો દરમિયાન શૈક્ષણિક કાર્ય બંધ રાખવા ફરમાન કર્યું છે અને આપત્તકાલીન સમય માટે ઈમર્જન્સી નંબરો જાહેર કર્યા છે.

ભારતીય હવામાન વિભાગે વડોદરા જિલ્લા સહિત રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાં આજે તા.23 જુલાઈથી તા.25મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપેલું છે. તે દરમિયાન આજે સવારથી જ વડોદરાના આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વચ્ચેથી મેઘ મહેર શરૂ થઈ ગઈ હતી. સવારથી જ વરસાદ વરસતો રહ્યો હતો. જે દરમિયાન ક્યારે જોરદાર વરસાદી ઝાપટા આવી જતા તો ક્યારેક અમી છાંટણા ચાલું રહ્યાં હતા. રાતે 8 કલાક સુધીમાં વડોદરામાં 3 ઈંચ વરસાદ વરસી ગયો હતો અને આ લખાય છે ત્યારે પણ ધીમી ધારે વરસાદની પધરામણી ચાલું હતી.જે સાથે સિઝનનો કુલ વરસાદ 10 ઈેંચ જેટલો થયો છે.

આજે વરસેલા વરસાદ દરમિયાન શહેરના છાણી, ન્યૂ સમા રોડ, ગોત્રી - ગોરવા રોડ, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં મળીને એક ડઝન જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. તેમજ શહેરમાં જુદા જુદા બે સ્થળે જર્જરિત મકાનોનો ભાગ પડી ગયો હતો. સદ્નશીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. બીજી તરફ, વડોદરાવાસીઓને મોબાઈલ પર રેડ એલર્ટને લઈને મોબાઈલ પર મેસેજિસ આવતા લોકો એક તબક્કે ગભરાઈ ગયા હતાં.

રેડ એલર્ટને લઈને વડોદરા જિલ્લાનું તંત્ર સાબદું થઈ ગયું હતુ. જિલ્લા અને તાલુકા કક્ષાના કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દઈને આપત્તકાલીન સમય માટે ઈમર્જન્સી નંબરો જાહેર કર્યા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો