વડોદરાની GEB સ્કૂલમાં ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે, જેના કારણે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી હર્ષ રાઠોડની આંખમાં ગંભીર ઈજા થઈ છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે શિક્ષકની હાજરીમાં જ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં મસ્તી કરી રહ્યા હતા, અને એક વિદ્યાર્થીએ ફેંકેલી બોલપેન સીધી હર્ષની આંખમાં વાગી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થી હર્ષના પિતાએ શાળા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
આચાર્યનો લૂલો બચાવ
તેમણે જણાવ્યું કે, શાળા પ્રશાસને તેમના પુત્રને ઈજા થયા બાદ પ્રાથમિક સારવાર પણ ન આપી અને તેમને માત્ર ફોન કરીને બોલાવ્યા હતા. જોકે, શાળાના આચાર્ય ભાગ્યેશ ઠક્કરએ આક્ષેપોનો લૂલો બચાવ કરતા કહ્યું કે, "અમે વિદ્યાર્થીઓને મસ્તી ન કરવા સમજાવીએ છીએ." તેમણે દાવો કર્યો કે, ઘટના બન્યા બાદ તરત જ તેમને ફોન કરીને વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યારે પિતાનો આક્ષેપ છે કે તેમને માત્ર કોલ કરીને બોલાવ્યા હતા. શાળાના આ બેદરકારીભર્યા વલણથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
