શહેરની મધ્યમાં નાગરવાડા મુખ્ય રસ્તા પર તેમજ કારેલીબાગ પોલીસ સ્ટેશન સામે આવેલી પશુપાલન શાખાની બિલ્ડીંગ પાસે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્થાપના થઇ હતી અને જિલ્લા પંચાયત અસ્તિત્વમાં આવ્યુ હશે ત્યારે બિલ્ડીંગના બગીચામાં જે વૃક્ષારોપણ કર્યું હશે તે વૃક્ષોની ડાળીઓ સમયાન્તરે કાપવાની કોઈ તકલીફ્ નહીં લેવાના કારણે હાલમાં પશુપાલનના જૂના બિલ્ડીંગની આસપાસ એક ગીચ જંગલ બની ગયું છે
આ અંગે જીવન સાધના શાળાના શિક્ષક હસમુખભાઈ પાઠકે ગુરૂવારે વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને એક આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવ્યું હતું કે પશુપાલન શાખાના જૂના બિલ્ડીંગના વૃક્ષો હાલમાં ગીચ જંગલ બની ગયા છે અને આ વૃક્ષોની ડાળીઓ જીવન સાધના શાળાના ક્લાસ રૂમની બારી સુધી પહોંચી ગઈ છે. જેને કારણે ચોમાસામાં મચ્છરોનો અસહ્ય ઉપદ્રવ વધી જાય છે તેમજ સરિસૃપ અને જળચર જીવ જંતુઓ શાળાના ક્લાસ રૂમની બારી સુધી પહોંચવાની દહેશત છે. જેને પગલે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ લેશે ? તે સવાલ ખડો થયો છે. પશુપાલન શાખાની જૂની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે અને ખંડેર બની ગઈ છે તેમજ પશુપાલન શાખાની નવી બિલ્ડીંગ બન્યા બાદ આઠ દશ રૂમ ધરાવતી જૂની બિલ્ડીંગની આસપાસ ઝાડી - ઝાંખરા ઊગી નીકળ્યા છે. આમ વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાનું આરોગ્ય જ કથળેલુ સાબિત થાય છે.
