ડેસર તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ માર્ગોની દયનીય સ્થિતિ ઉજાગર કરી છે. ઉદલપુર ચોકડીથી ડેસર તરફ્ તેમજ ઉદલપુરથી જાનીપુરા સુધીના માર્ગ પર મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે. ભારે વાહનો સહિત રોજિંદા અવરજવર કરતા લોકો માટે આ માર્ગ જોખમી બન્યો છે.

ઉદલપુર રાજ્યના મહત્વના ક્વોરી ઉદ્યોગ માટે જાણીતું હોવાથી અહીંથી દરરોજ મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર રહે છે. માર્ગ પર પડેલા વિશાળ ખાડાઓને કારણે ટ્રકો સહિત અન્ય વાહનોને વારંવાર નુકસાન થઈ રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ક્વોરી ઉદ્યોગમાંથી સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટી મળતી હોવા છતાં માર્ગની યોગ્ય જાળવણી કરવામાં તંત્ર નિષ્ફ્ળ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો માર્ગ પર પાણી ભરાઈ જવાથી ખાડા દેખાશે નહીં. જેના કારણે ગંભીર અકસ્માત થવાની શક્યતા વધશે. માર્ગ પર આવેલા નાનકડા બ્રિજ પર પણ મોટા ખાડા પડયાં છે. તેની રેલિંગ પણ ક્ષતિગ્રસ્ત છે. સમયસર સમારકામ નહીં થાય તો બ્રિજને પણ નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરાય છે. સ્થાનિક વેપારી કુણાલ પટેલ અને સુનિલ પટેલે જણાવ્યું હતું કે, આ માર્ગ પરથી રોજ પસાર થવું જોખમી બની ગયું છે અને તંત્રએ તાત્કાલિક ખાડા પૂરાવી માર્ગનું સમારકામ કરવું જોઈએ. ઉદલપુર ગ્રામ પંચાયતના સરપંચ નિતેશ ચારણે જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિ થાય તે પહેલાં માર્ગનું સમારકામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે તંત્રને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરીને જણાવ્યું છે કે સમયસર કામગીરી નહીં થાય તો સ્થાનિકો આગળની લડત અંગે વિચારણા કરાશે.