વડોદરા શહેરમાં એટીએમ સેન્ટર પર કાર્ડ બદલીને છેતરપિંડી આચરતી ગેંગ ફરી સક્રિય થઈ છે. શહેરના છાણી રોડ પરના એટીએમ સેન્ટરમાંથી એક સિક્યુરિટી ગાર્ડનું એટીએમ કાર્ડ સિફતપૂર્વક બદલીને ગઠિયાએ કુલ ₹55,554 ઉપાડી લીધા હતા.
વડોદરા શહેરમાં કાર્ડ બદલીને છેતરપિંડી
નવાયાર્ડ વિસ્તારમાં જૂની રામવાડી ખાતે રહેતા અને સિક્યુરિટીમાં નોકરી કરતા 58 વર્ષના નટુભાઈ મણીભાઈ પરમાર છાણી રોડ પરના એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા ગયા હતા. આ દરમિયાન તેમની બાજુમાં 20થી 25 વર્ષનો એક અજાણ્યો યુવક ઊભો હતો. નટુભાઈ જ્યારે એટીએમ મશીનમાંથી મિની સ્ટેટમેન્ટ કાઢી રહ્યા હતા, ત્યારે આ ગઠિયાએ સિફતપૂર્વક તેમનું એટીએમ કાર્ડ ચોરી લીધું હતું. એટલું જ નહીં, સ્ટેટમેન્ટ કાઢતી વખતે ગઠિયાએ નટુભાઈનો પાસવર્ડ પણ જાણી લીધો હતો. કાર્ડ ચોર્યા બાદ ગઠિયાએ નટુભાઈને બીજું એક બિનઉપયોગી કાર્ડ આપી દીધું હતું.










