વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન અપાવવાના બહાને મોટા પાયે છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતા એક ઠગ એજન્ટે વડોદરાના ચાર નિર્દોષ લોકોનો વિશ્વાસ કેળવીને કુલ 1.78 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે છેતરાયેલા લોકોએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


 છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

પોલીસ ફરિયાદ મુજબ, શહેરના કમાટીપુરા ખાતે રહેતા ગુલાબસિંગ ઉદેસીંગ જાદવ ને સમા વિસ્તારમાં બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ખરીદવામાં રસ હતો. આ દરમિયાન અમદાવાદના ઠગ એજન્ટ સંજય પ્રજાપતિ સાથે તેમનો સંપર્ક થયો હતો. સંજય પ્રજાપતિએ ગુલાબસિંગ અને અન્ય ત્રણ લોકોને આવાસના મકાનો અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ગુલાબસિંગે સંજય પ્રજાપતિ પર ભરોસો કરીને મકાન મેળવવા માટેનું ફોર્મ ભરવાનું નક્કી કર્યું અને શરૂઆતમાં 59000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. અન્ય ત્રણ ફરિયાદીઓ પાસેથી પણ આ જ પ્રકારે કુલ 1.78 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.

 'લેટર આવશે' કહીને ટાળ્યું

પૈસા લીધા બાદ સંજય પ્રજાપતિએ લાભાર્થીઓને કહ્યું હતું કે, "આજકાલમાં તમારા ઘરે મકાન મળ્યાનો લેટર આવશે." જોકે, લાંબો સમય વીતી જવા છતાં કોઈ લેટર આવ્યો નહોતો કે કોઈને આવાસનું મકાન મળ્યું નહોતું. આરોપી સંજય પ્રજાપતિ અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન અપાવવાના બહાને પૈસા લેતો હતો. આ ઠગાઈનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે એક ફરિયાદીએ આપેલા ચેકને બેંકમાં જમા કરાવવા જતાં આરોપીની હકીકત સામે આવી. સયાજીગંજ પોલીસે આ સમગ્ર મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે અને અમદાવાદના ઠગ એજન્ટ સંજય પ્રજાપતિને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી યોજનાઓના નામે થતી આવી છેતરપિંડીથી સાવધ રહેવા માટે પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: