શહેરના સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈદની ખરીદીને પગલે રસ્તાઓ પર ભારે ભીડ અને દબાણ હોવા છતાં, એક કાર ચાલકે બેફામ ગતિએ ગાડી હંકારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

વડોદરામાં કાર ચાલક બન્યો બેફામ

મળતી માહિતી મુજબ, પાણીગેટ વિસ્તારમાં હાલમાં તહેવારની ખરીદીને કારણે રસ્તાઓ પર દબાણ વધુ છે. આ દરમિયાન એક કાર ચાલકે ભીડભાડ વાળા રસ્તા પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ આસપાસના 4થી 5 જેટલા યુવકોએ કારને ઘેરી લીધી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને કારની અંદર જ માર મારવાનું શરૂ કર્યું હતું અને પથ્થરો કે અન્ય સાધનો વડે કારના કાચની પણ તોડફોડ કરી હતી.

જીવ બચાવવા કાર દોડાવી

પોતાના પર હુમલો થતા જોઈ અને જીવ જોખમમાં હોવાનું અનુભવતા, કાર ચાલકે ભીડની વચ્ચે જ કારને ફૂલ સ્પીડમાં દોડાવી મૂકી હતી. આ ભાગવાની લ્હાયમાં અન્ય કેટલાક વાહનો કે લોકોને નુકસાન થયું હોવાનું પણ અનુમાન છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે લોકો કાર પર તૂટી પડ્યા હતા અને કાર ચાલકે ત્યાંથી ભાગવા માટે ગાડી હંકારી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં 2 કરોડની બનાવટી ચલણી નોટો ઝડપાઈ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન પાડયું પાર