વડોદરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે નીકળેલી મહાનગરપાલિકાની ઢોર પાર્ટી પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. શહેરના કિશનવાડી વિસ્તારમાં સવારના સમયે જ્યારે પાલિકાની ટીમ પશુઓ પકડવાની કામગીરી કરી રહી હતી, ત્યારે સ્થાનિક પશુપાલકોએ સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભી કરી ટીમ સાથે ઉગ્ર ઘર્ષણ અને ઝપાઝપી કરી હતી.
પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
વડોદરા કોર્પોરેશનની ઢોર ફૂટ પાર્ટી કિશનવાડી વિસ્તારના જાહેર માર્ગો પર અડિંગો જમાવીને બેઠેલી રખડતી ગાયોને પકડીને ડબ્બે પૂરવાની કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન પોતાની ગાયો પકડાતી જોઈને કેટલાક માથાભારે પશુપાલકોના ટોળેટોળાં ત્યાં ધસી આવ્યા હતા. પશુપાલકોએ પાલિકાના કર્મચારીઓ સાથે પહેલા ઉગ્ર બોલાચાલી કરી હતી અને ત્યારબાદ મામલો બિચકતાં કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હોબાળો મચાવ્યો હતો.
