શિયાળાની ઠંડીની શરૂઆત સાથે જ વડોદરા શહેરમાં ચેન સ્નેચરો અને અછોડા તોડ કરતી ગેંગ ફરી એકવાર સક્રિય થઈ છે. શહેરીજનોમાં ભય ફેલાવનારી એક ચોંકાવનારી ઘટના વડોદરાના હરણી વિસ્તારની નાગેશ્વર સોસાયટીમાં બની છે, જ્યાં મોડી રાત્રે વોક પર નીકળેલા એક સિનિયર સિટીઝન દંપતીને નિશાન બનાવીને ગઠિયાઓ સોનાની કીમતી માળા તોડીને ફરાર થઈ ગયા હતા.


હરણી વિસ્તારમાં ચેન સ્નેચરો બેફામ 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના રાત્રિના લગભગ 9:30 વાગ્યાના અરસામાં બની હતી. હરણી વિસ્તારમાં રહેતા આ સિનિયર સિટીઝન દંપતી રાત્રિના સમયે નિયમિત નાઇટ વોક માટે નીકળ્યું હતું. આ જ સમયે એક બાઇક પર સવાર થઈને આવેલા બે અજાણ્યા યુવકોએ આ દંપતીને નિશાન બનાવ્યું હતું. બાઇક સવાર ગઠિયાઓ પૈકી એક શખ્સે તાત્કાલિક વૃદ્ધા ભાવનાબેનના ગળા પર ઝાપટ મારીને આશરે રૂપિયા 40 હજારની કિંમતની સોનાની તુલસી માળા તોડી લીધી હતી. આંખના પલકારામાં જ બંને ગઠિયાઓ બાઇક પર બેસીને ઘટનાસ્થળેથી પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા, જેના પગલે દંપતી આઘાતમાં સરી પડ્યું હતું.

ચેન સ્નેચિંગની ઘટના CCTVમાં થઇ કેદ 

સદભાગ્યે, આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સિનિયર સિટીઝન તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતા, આ ગંભીર બનાવની તપાસ કુંભારવાડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક એક્શન લેતા, CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડવા માટેના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

કુંભારવાડા પોલીસે CCTVના આધારે તપાસ શરુ કરી 

વડોદરાના હરણી વિસ્તારમાં અગાઉ પણ ચેન સ્નેચિંગની ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે ફરીથી આ પ્રકારે સિનિયર સિટીઝનને નિશાન બનાવવામાં આવતા, શહેરના વૃદ્ધો અને મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસે સત્વરે આ ચેન સ્નેચરોને પકડી પાડી કાયદાનું ભાન કરાવવું જરૂરી છે.

  • Follow us on: