વડોદરા શહેરમાં કાયદાના રક્ષકો દ્વારા જ કાયદાનો ભંગ થયો હોવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલને યુવકને માર મારી, લાંચ માંગી અને તેનું મોપેડ સળગાવવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
વડોદરામાં મોપેડ સળગાવનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ
આ ઘટના ગત 7 નવેમ્બરના રોજ બની હતી. શહેરના નવલખી મેદાન ખાતે સરફરાઝ ગરાસિયા નામનો યુવક તેની મહિલા મિત્ર સાથે બેઠો હતો. તે સમયે ફરજ પરનો પોલીસ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા તેના ભાણીયા ભૌતિક ભીલ અને મિત્ર ચતુર બારિયા સાથે ત્યાં પહોંચ્યો હતો. કોન્સ્ટેબલ નિલેશ બારૈયાએ યુવક સરફરાઝ અને તેની મિત્રની પૂછપરછ કરી હતી અને તેના મોપેડના કાગળ પૂરા ન હોવાનું કહીને લાંચની માગણી કરી હતી. આ દરમિયાન, કોન્સ્ટેબલે સરફરાઝને મેદાનના ખૂણામાં લઈ જઈ નિર્દયતાથી માર માર્યો હતો. સરફરાઝે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોન્સ્ટેબલના સાથીઓએ તેને પકડી લીધો હતો.










