ગુજરાતમાં ન્યાયતંત્રના ધામ સમાન અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ભુજ અને વડોદરાની કોર્ટને ઈ-મેઈલ મારફતે ધમકીભર્યા મેસેજ મળતા જ બંને સ્થળોએ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે અને સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવવામાં આવ્યું છે.
ભુજની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કચ્છના મુખ્ય મથક ભુજની કોર્ટને આજે સવારે ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ જાણકારી મળતા જ કોર્ટના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે કોર્ટની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી અને પરિસરને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી નાકાબંધી કરી તપાસ તેજ કરી છે.
વડોદરામાં પુનરાવર્તન
બીજી તરફ, વડોદરા કોર્ટને પણ ઈ-મેઈલ મારફતે ઉડાવી દેવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્ટને ગત મહિને પણ આ પ્રકારે ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જે બાદ આજે ફરી ધમકી મળતા તંત્ર સતર્ક બન્યું છે. પોલીસ દ્વારા લાઉડસ્પીકર મારફતે સૌને કોર્ટ પરિસરની બહાર જવા અપીલ કરવામાં આવી હતી.
તપાસનો ધમધમાટ
બંને શહેરોની અદાલતોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઈ-મેઈલ કયા આઈપી (IP) એડ્રેસ પરથી આવ્યો છે અને આ પાછળ કોઈ અસામાજિક તત્વોનું કૃત્ય છે કે કેમ તે દિશામાં સાયબર ક્રાઈમ અને પોલીસની ટીમો તપાસ કરી રહી છે. હાલ પૂરતું કોર્ટની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: Surat: 4 રાજ્યોમાં 100 ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર જીમી ઝડપાયો, 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે