ગુજરાતમાં સ્કૂલો અને કોર્ટને વારંવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓને કારણે લોકોમાં ભય ફેલાયેલો રહે છે અને પોલીસ પણ દોડતી રહે છે. ત્યારે તાજેતરમાં જ આ પ્રકારની ધમકી આપનારો એક આરોપી પકડાયો છે અને તેની સામે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. ત્યારે ગત પાંચમી માર્ચે વડોદરામાં એરફોર્સ સ્ટેશન સ્થિત કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકીનો મેસેજ કરનારની પોલીસને માહિતી મળી છે.
મકરપુરા એરફોર્સ સ્કૂલને આપી હતી ધમકી
વડોદરામાં એરફોર્સની કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેસેજ કરનારની પોલીસે ઓળખ કરી છે. બોમ્બ થ્રેટનો મેસેજ કરનાર એક સગીર વિદ્યાર્થી જ નીકળ્યો છે. આ વિદ્યાર્થીએ મકરપુરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને શિક્ષકને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો. પોલીસે આ મેસેજને લઈને તુરંત જ તપાસ હાથ ધરી હતી.













