વડોદરા શહેરમાં જોખમી સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર 'રિલ' બનાવવાનો ક્રેઝ પોલીસ અને કાયદાને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે. શહેરના આજવા રોડ પર ફરી એકવાર યુવકોએ ખુલ્લેઆમ જોખમી સ્ટંટ કરીને સુરક્ષા વ્યવસ્થાની હાંસી ઉડાવી છે.


 આજવા રોડ પર જોખમી સ્ટંટ

આ ઘટના આજવા રોડ પર પંડિત દીનદયાળ નગર ગ્રુપ નજીક આવેલા એક ખુલ્લા મેદાનમાં બની હતી. આ મેદાન મુખ્ય રોડ અને રહેણાંક વિસ્તારને અડીને આવેલું હોવા છતાં યુવકોએ બેફામ બનીને સ્ટંટ કર્યા હતા. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે સ્ટંટ કરનારા રિલબાજોએ એક સાથે ત્રણ જુદા-જુદા વાહનો – બાઇક, કાર અને પિકઅપ ડાલા (ગુડ્સ વાહન)નો ઉપયોગ કરીને જોખમી સ્ટંટ કર્યા હતા. આ યુવકોએ બાઇક અને કારના સ્ટંટ બાદ હવે ભારવાહક વાહનોનો ઉપયોગ કરીને પોલીસને ફરી એકવાર પડકાર ફેંક્યો છે.

બાઇક, કાર બાદ પિક અપ ડાલામાં જોખમી સ્ટંટ

જાહેરમાં, રહેણાંક વિસ્તારની નજીક આ પ્રકારના જોખમી સ્ટંટ થવાના કારણે આસપાસના લોકોના જીવ જોખમમાં મુકાય છે. અગાઉ પણ આવા સ્ટંટ કરનારાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, આ રિલબાજોમાં કાયદાનો ડર દેખાતો નથી.આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના આધારે વડોદરા પોલીસે તાત્કાલિક આ જોખમી સ્ટંટ કરનારા યુવકોને શોધી કાઢીને કાયદેસરની કડક કાર્યવાહી કરવી જરૂરી છે.

  • Follow us on: