સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી અચાનક આવતા હાર્ટ એટેકનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને ચાલુ વાહને હાર્ટ એટેક આવવાની વધતી ઘટનાઓએ વાહનચાલકો અને તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટનામાં, એક 50 વર્ષીય રિક્ષાચાલકનું ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવતા કરુણ મોત નીપજ્યું છે.

રિક્ષા હંકારતા આવ્યો હાર્ટ એટેક

મળતી માહિતી પ્રમાણે શહેરના ભરચક માર્ગ પર જ્યારે આ રિક્ષાચાલક પોતાની રોજગારી માટે રિક્ષા હંકારી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા હાર્ટ એટેકે તેમને સંભળવાનો મોકો પણ ન આપ્યો. 50 વર્ષની વયના આ પ્રૌઢને ચાલુ રિક્ષાએ છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો અને જોતજોતામાં રિક્ષાના સ્ટીયરિંગ પર જ તેઓ ઢળી પડ્યા હતા. આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડે તે પહેલા જ તેમનું ઘટનાસ્થળે નિધન થયું હતું. આ દ્રશ્ય એટલું આઘાતજનક હતું કે ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

અઠવાડિયામાં બીજી ઘટના બની

સૌથી વધુ ચિંતાની વાત એ છે કે વડોદરામાં માત્ર એક જ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે હાર્ટ એટેક આવવાની આ બીજી ઘટના છે. હજુ ગણતરીના દિવસો પહેલા જ એક કારચાલકને રસ્તા પર વાહન ચલાવતી વખતે એટેક આવ્યો હતો. રસ્તા પર વાહન ચલાવતી વખતે આવતા આવા હુમલાઓ માત્ર ચાલક માટે જ જીવલેણ નથી, પરંતુ તે રસ્તા પરના અન્ય નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.

શા માટે વધી રહી છે આ ઘટનાઓ?

નિષ્ણાંતોના મતે, બદલાતી જીવનશૈલી, માનસિક તણાવ, વાયુ પ્રદૂષણ અને ખાનપાનની આદતો આ માટે જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને મધ્યમ વયના પુરુષોમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના કારણે હાર્ટ પર લોડ વધી રહ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં ઘટાડો થતા રહેશે હૂંફાળું વાતાવરણ