ડેસર અને ગળતેશ્વર તાલુકાને જોડતા મહીસાગર નદી પરના બ્રિજને મરામતના બહાને ફરી એકવાર ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તંત્ર દ્વારા લોખંડની આડાસ (ગડર) લગાવી દેવાતા હજારો લોકોની રોજીરોટી પર સંકટ ઉભું થયું છે.

વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવે 6 કિમીના બદલે 50 કિમીનો ફેરો

ચોમાસા દરમિયાન કડાણા ડેમમાંથી પાણી છોડાતા આ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. પાણી ઓછું થતા નાના વાહનો માટે રસ્તો ખુલ્લો કરાયો હતો, પરંતુ મોટા વાહનો માટે બ્રિજની મજબૂતી ચકાસવાના બહાને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બ્રિજ બંધ હોવાથી વરસડા થી અંબાવ જે માત્ર 6 કિલોમીટરનું અંતર છે, ત્યાં જવા માટે વાહનોએ 50 કિલોમીટરનો લાંબો ફેરો ખાવો પડે છે. બે મહિના પહેલા વાહનચાલકોએ જાતે આડાસ હટાવી અવરજવર શરૂ કરી હતી, પરંતુ તંત્રએ આજે ફરી બ્રિજ બંધ કરી દીધો છે.

તંત્ર અને પોલીસની હાજરીમાં વિરોધ

ડેસર અને સેવાલીયા પોલીસની હાજરીમાં જ્યારે માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા લોખંડની ગડર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે મોટી સંખ્યામાં ક્વોરી સંચાલકો, ડ્રાઈવરો અને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. લોકોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, "જો બ્રિજમાં ખામી હોય તો ડાયવર્જન જેવી વૈકલ્પિક વ્યવસ્થા આપો, કોઈપણ વ્યવસ્થા વગર રસ્તો બંધ કરવો એ અન્યાય છે."

ધારાસભ્યને ટેલિફોનિક રજૂઆત

રોષે ભરાયેલા લોકોએ ઠાસરાના ધારાસભ્યને ફોન કરીને આ બાબતે તાત્કાલિક દખલગીરી કરવા માંગ કરી હતી. લોકોએ જણાવ્યું હતું કે આ માર્ગ તેમની રોજીરોટીનો મુખ્ય આધાર છે. હજારો ટ્રક ચાલકો અને શ્રમિકોના ઘર આ બ્રિજની અવરજવર પર નિર્ભર છે. વારંવાર કોઈપણ સ્પષ્ટતા વગર બ્રિજ બંધ કરી દેવાતા સામાન્ય જનતા હેરાન થઈ રહી છે.

આ પણ વાંચો: બિલ્ડરની રિવોલ્વર અને ગોળીઓ ચોરી બિહાર ભાગી ગયેલો કિશોર ઝડપાયો, નોકરીમાંથી કાઢી મુકતા લીધો બદલો