વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી પંથકમાં તરખાટ મચાવનાર કુખ્યાત 'ધાબળા ગેંગ'ને પોલીસે ઝડપી પાડી, આજે ભરી બજારમાં તેમનો વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું. શિનોર પોલીસની આ કડક કાર્યવાહી જોઈને સ્થાનિક રહીશોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.
તસ્કરોનો ડર દૂર કરવા પોલીસનો 'એક્શન પ્લાન'
છેલ્લા કેટલાક સમયથી સાધલી અને સેગવા વિસ્તારમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી રહેલી ધાબળા ગેંગને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ હતો. આ ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા બાદ, લોકોના મનમાંથી તસ્કરોનો ખોફ દૂર થાય અને ગુનેગારોમાં પોલીસનો ડર પેદા થાય તેવા આશયથી શિનોર પોલીસે સાધલીના મુખ્ય બજારમાં તસ્કરોનો વરઘોડો કાઢ્યો હતો.
જ્યાંથી ગ્લોઝ ખરીદ્યા હતા, ત્યાં જ લઈ જવાયા
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તસ્કરોએ ચોરીને અંજામ આપવા માટે સાધલી બજારની જ એક દુકાનમાંથી હાથમોજા (ગ્લોઝ) ખરીદ્યા હતા. શિનોર પોલીસ આ તસ્કરોને સાધલી બજારમાં એ જ દુકાનો પાસે લઈ ગઈ હતી, જ્યાં તેમણે આયોજન કર્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ્યારે તસ્કરોને બજારમાં લાવવામાં આવ્યા, ત્યારે લોકોના ટોળેટોળાં તેમને જોવા ઉમટી પડ્યા હતા.
લોકોએ પોલીસની કામગીરીને વધાવી
શિનોર પોલીસની આ રણનીતિને કારણે વેપારીઓ અને ગ્રામજનોમાં વિશ્વાસ વધ્યો છે. જે તસ્કરો રાતના અંધારામાં લોકોની શાંતિ હણતા હતા, તેમને ધોળા દિવસે પોલીસના સકંજામાં અને નીચી મુંડીએ જોઈને લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ