ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દોરીમાં કાચના ઉપયોગ સામે પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર ડો. જ્યોર્તિનાથ મહારાજે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષોથી કાચ પાયેલો માંજો સૂતવાની પરંપરા ચાલી આવે છે અને તે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. ડો. જ્યોર્તિનાથે સ્પષ્ટતા કરી હતી કે તેઓ જીવલેણ ચાઈનીઝ દોરી સામેની કાર્યવાહીને આવકારે છે, પરંતુ વર્ષો જૂની દેશી માંજાની પરંપરા પર પોલીસનો હસ્તક્ષેપ યોગ્ય નથી. તેમના મતે, માત્ર હિન્દુ તહેવારો સમયે જ પોલીસ અને તંત્ર દ્વારા આ પ્રકારની અતિશય સક્રિયતા બતાવવામાં આવે છે જે ભક્તોની લાગણી દુભાવે છે.
ઉત્તરાયણ પૂર્વે વિવાદ
વધુમાં તેમણે તીખા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યારે પણ હિન્દુ તહેવાર આવે છે ત્યારે જ પર્યાવરણ અને જીવદયાના નામે નિયમો લાદવામાં આવે છે. દિવાળીમાં પ્રદૂષણ, હોળીમાં પાણીનો વેડફાટ અને હવે ઉત્તરાયણમાં પરંપરાગત દોરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પર્યાવરણના નામે હિન્દુઓને ટાર્ગેટ કરવાનું બંધ કરવું જોઈએ. પોલીસની આ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા તેમણે માંગ કરી છે કે તહેવારોની ગરિમા અને પરંપરા જળવાઈ રહે તે રીતે જ વહીવટી તંત્રએ કામ કરવું જોઈએ, નહીંતર શ્રદ્ધાળુઓમાં રોષ વ્યાપી શકે છે.
