ડોદરા શહેરમાં નાગરિકોની સુખાકારી અને પ્રકૃતિ સાથે જોડાણ વધારવા માટે વડોદરા મહાનગરપાલિકાએ એક મોટું કદમ ઉઠાવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના ગ્લોબલ યોગ વિઝનને સ્થાનિક સ્તરે સાકાર કરવા માટે વડોદરાના પશ્ચિમ વિસ્તાર એવા ગોત્રીમાં આવેલા સંભાજી મહારાજ ગાર્ડન ખાતે શહેરનું સૌપ્રથમ સત્તાવાર યોગ સેન્ટર સજ્જ થઈ ગયું છે. આશરે 2 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ સેન્ટર સામાન્ય હોલ જેવું નથી, પરંતુ તેને ખાસ આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.
ચારેય તરફથી કુદરતી પ્રકાશ અને ગ્રીન એનર્જીનો સમન્વય
આ યોગ સેન્ટરની સૌથી મોટી ખાસિયત તેની અદભુત 3D એલિવેશન ડિઝાઇન છે. આ સ્માર્ટ આર્કિટેક્ચરને કારણે બિલ્ડિંગમાં ચારેય તરફથી કુદરતી અને કૃત્રિમ પ્રકાશ એવી રીતે પ્રવેશશે કે દિવસ દરમિયાન લાઇટો ચાલુ કરવાની જરૂર નહિ પડે. આ ઇકો-ફ્રેન્ડલી મોડેલના કારણે સેન્ટરનો વીજ વપરાશ ખૂબ જ ઓછો થશે. આ વિશાળ હોલમાં એક સાથે 200 સાધકો ભેગા મળીને યોગાસન કરી શકે એટલી આલીશાન સ્પેસ ફાળવવામાં આવી છે. તદુપરાંત, યોગ અને આધ્યાત્મિકતા વિશે ઊંડું જ્ઞાન મેળવવા ઈચ્છતા લોકો માટે અહીં એક અદ્યતન લાયબ્રેરી (પુસ્તકાલય)ની પણ વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે.
