આશરે ચાર મહિના પહેલા ડેટા એન્ટ્રીની આકર્ષક નોકરીની લાલચે સાવલી સહિત ગુજરાતના 100થી વધુ યુવકો મ્યાનમાર ગયા હતા. જોકે, ત્યાં પહોંચ્યા બાદ તેમને જાણ થઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમને ડેટા એન્ટ્રીના બદલે 'લવ ફ્રોડ' અને 'ડિજિટલ અરેસ્ટ' જેવા ગંભીર સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. કંપનીના અત્યાચારથી કંટાળીને તક મળતા જ આ યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને હાલ મ્યાનમારના એક સેફ હાઉસમાં આશરો લઈ રહ્યા છે.

20 દિવસથી વધુ થયા છતાં કોઇ નક્કર કાર્યવાહી ન થઇ

વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં ગુંજન શાહ દાવો કરી રહ્યો છે કે: તેઓ છેલ્લા 20 દિવસથી સેફ હાઉસમાં છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર સરકારી મદદ મળી નથી. યુવકો પાસે રહેલા નાણાં હવે પૂરા થઈ રહ્યા છે અને તેમની ધીરજની કસોટી થઈ રહી છે. પરિસ્થિતિ વિકટ બનતા યુવકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે મદદની ગુહાર લગાવી છે. વિદેશ મંત્રાલય આ બાબતે હસ્તક્ષેપ કરે અને તેમને હેમખેમ ભારત પરત લાવે તેવી વિનંતી કરવામાં આવી છે. આ ઘટનાએ વિદેશમાં નોકરીના નામે ચાલતા મોટા સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે.