રંગોના પર્વ હોળી અને ધુળેટીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે વડોદરામાં અભ્યાસ કે રોજગારી અર્થે રહેતા લોકોએ પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા માટે વતનની વાટ પકડી છે. વડોદરાના સેન્ટ્રલ એસ.ટી. ડેપો પર વહેલી સવારથી જ મુસાફરોની ભારે ભીડ અને લાંબી લાઈનો જોવા મળી રહી છે.
મુસાફરોનો ભારે ધસારો
વડોદરા ડેપો પર ખાસ કરીને દાહોદ, ગોધરા અને પંચમહાલ તરફ જતી બસોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતી એસ.ટી. બસોમાં પણ પગ મૂકવાની જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકો વહેલી સવારથી જ પોતાના સામાન સાથે બસની રાહમાં કતારો લગાવીને ઉભા જોવા મળ્યા હતા.
વિવિધ રૂટ પર વિશેષ બસો દોડાવવામાં આવી રહી
મુસાફરોની આ ભીડને ધ્યાનમાં રાખીને વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે વિવિધ રૂટ પર વિશેષ (Extra) બસો દોડાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ મુસાફર અટવાય નહીં.હોળીના પર્વ પર ખાસ કરીને શ્રમિક વર્ગમાં વતને જવાનો અનેરો ઉત્સાહ હોય છે. ખાનગી વાહનોના તોતિંગ ભાડા સામે એસ.ટી. નિગમની બસો મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ભીડને નિયંત્રિત કરવા માટે ડેપો પર પોલીસ અને સુરક્ષાકર્મીઓ પણ ખડેપગે તૈનાત જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: Palanpur: ગ્રાહક બનીને આવેલા ગઠિયા જ્વેલર્સની દુકાનમાંથી 1.98 લાખના દાગીના સેરવી ગયા