સયાજી હોસ્પિટલ (SSG) માં ગત રોજ બનેલી એક ઘટનાને પગલે આજે તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. હોસ્પિટલના જુનિયર ડોક્ટર્સ એસોસિએશને (JDA) સુરક્ષા અને ન્યાયની માંગ સાથે તમામ નોન-ઇમરજન્સી સેવાઓ બંધ રાખવાનું એલાન કર્યું છે.

તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું

મળતી માહિતી મુજબ, ગત રોજ એક પરિવાર પોતાના સંબંધીનો મૃતદેહ લેવા માટે હોસ્પિટલના કોલ્ડરૂમ (મોર્ચ્યુરી) ખાતે પહોંચ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે જ્યારે તેમને મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે તે ડી-કમ્પોઝ (કોહવાયેલી) હાલતમાં જોવા મળ્યો હતો. આ જોતા જ પરિવારજનો અને પરિચિતો રોષે ભરાયા હતા.

તબીબો પર હુમલો અને બબાલ

મૃતદેહની આવી હાલત જોઈને હોસ્પિટલ સ્ટાફ અને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો બિચક્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ ત્યાં હાજર જુનિયર ડોક્ટરો અને સ્ટાફ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલાને પગલે ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે હોસ્પિટલ કેમ્પસમાં તેમની સુરક્ષા જોખમાઈ રહી છે.

હડતાળની અસર

જુનિયર ડોક્ટરોની હડતાળને કારણે હોસ્પિટલની વ્યવસ્થા પર માઠી અસર પડી છે.તમામ નોન-ઇમરજન્સી (OPD) કામકાજ બંધ રહેશે.જે સર્જરીઓ ઇમરજન્સીમાં નથી આવતી તેવી તમામ સર્જરીઓનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.જોકે, દર્દીઓની હાલતને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.

તપાસના આદેશ

આ ઘટનાની ગંભીરતાને જોતા હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડો. રંજન ઐયરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. કોલ્ડરૂમમાં મૃતદેહ કેવી રીતે ડી-કમ્પોઝ થયો અને તેમાં કોઈની બેદરકારી છે કે કેમ, તે અંગે 'ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી' તપાસ કરશે. બીજી તરફ પોલીસે હુમલો કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો:Bengaluru : વરસાદના કારણે દીવાલ થઈ ધરાશાયી, 7 લોકોના થયા મોત