ફતેગંજ વિસ્તારમાં 16 વર્ષથી કાર્યરત સિનીયર સિટીજન્સ એસોસિએશનના 60થી90 વર્ષના સદસ્યો જીંદગીના અંતિમ પડાવને આનંદ-ઉલ્લાસના ઓઘ સાથે ઉજવે છે. વર્ષ દરમિયાન રાષ્ટ્રીય-ધાર્મિક-સામાજિક સહિત સેવાકિય કાર્યક્રમો યોજે છે. તદુપરાંત મેડિકલ કેમ્પ, સંગીત સંધ્યા યોજવા સહિત જરૂરિયાતમંદોને મદદરૂપ બને છે.
શહેરભરમાં સિનીયર સિટીજન્સ માટે અનેકવિધ સંગઠનો કાર્યરત છે. તેઓ જીંદગીના અંતિમ પડાવને બોજ સમજવાને બદલે આજની ઘડી છે રળિયામણી તરીકે ઉજવી આનંદ-ઉલ્લાસના ઓઘ સર્જે છે. ફતેગંજ સિનીયર સિટીજન્સ એસોસિએશનના પ્રમુખ નંદકુમાર ડી ચાવડાએ ઉલ્લેખ્યું હતું કે મોટાભાગના સિનીયર સિટીજન્સ વહેલી પરોઢે બાગ-બગીચા-ઉધાનોમાં મોર્નિંગ વોક કે યોગાથી નિત્યક્રમ શરૂ કરે છે.
ત્યારબાદ મંદિરો-ધાર્મિક સ્થાનકો-આધ્યાત્મિક સંકુલોમાં ભજન-કીર્તનની રમઝટમાં લિન થાય છે. રવિવારે સાંજે 5થી રાતના 8 કલાક દરમિયાન યોજાયેલી સંગીત સંધ્યામાં રૂપાબેન દેસાઇ અને ચિત્રાબેન દેસાઇએ ઓલ્ડ ફિલ્મોના કર્ણપ્રિય ગીતો પ્રસ્તુત કર્યા હતા. તદુપરાંત ભજન-કીર્તનની રમઝટ બોલાવતા તમામ સભ્યો ભક્તિના રંગેરંગાયા હતા. સિનીયર સિટીજન્સ એસોસિએશનના પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે શહેરના તમામ સંગઠનો એક મંચ પર આવે તો હજારો સિનીયર સિટીજન્સ એકબીજાને સહાયરૂપ નિવડવા સાથે પોતાના જીવનનો અનુભવ સેવામાં સમર્પિત કરી શકશે.
ઉલ્લેખનીય છે કે ફતેગંજ વિસ્તારની સેવાસમાજ સોસાયટીના બંગલાના પ્રાંગણમાં જ સિનીયર સિટીજન્સનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. એટલુંજનહિ, વર્ષ દરમિયાન વારે-તહેવારે કાર્યક્રમોનો દોર જારી રાખી જીવનને બોજ નહિં, ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો