વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જળજન્ય રોગચાળો વકરી રહ્યો છે, જેને અંકુશમાં લેવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા કડક પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. રોગચાળાની વાસ્તવિક સ્થિતિ જાણવા અને તેને નાથવા માટે પાલિકાએ હવે રણનીતિ બદલી છે.

ખાનગી હોસ્પિટલો સાથે સંકલન

રોગચાળાના ચોક્કસ આંકડા મેળવવા માટે પાલિકાના અધિકારીઓએ શહેરની ખાનગી હોસ્પિટલો સાથે બેઠક યોજી હતી. અત્યાર સુધી માત્ર સરકારી હોસ્પિટલોના આંકડા જ ધ્યાનમાં લેવાતા હતા, પરંતુ હવેથી ખાનગી હોસ્પિટલોએ પણ તેમના ત્યાં આવતા ટાઇફોઇડ અને અન્ય જળજન્ય રોગોના દર્દીઓની માહિતી પાલિકાને આપવી પડશે. આ ડેટાના આધારે જે વિસ્તારમાં કેસનું પ્રમાણ વધુ જણાશે, ત્યાં પાલિકાની આરોગ્ય ટીમ તાત્કાલિક પહોંચીને સર્વે અને ક્લોરિનેશન જેવી કામગીરી હાથ ધરશે.

લાઈન રિપેરિંગ અને ટેકનિકલ કામગીરી

શહેરમાં અનેક જગ્યાએ પીવાના પાણીની લાઈનોમાં ગટરના ગંદા પાણી ભળવાની ફરિયાદો ઉઠી છે. પાલિકાએ હવે આવી દૂષિત પાણીની લાઈનોને યુદ્ધના ધોરણે રિપેર કરવાની ખાતરી આપી છે. દૂષિત પાણીના સ્ત્રોત શોધવા માટે એન્જિનિયરિંગ વિભાગને પણ સૂચના આપી દેવામાં આવી છે.

દૂષિત પાણી મુદ્દે રાજકારણ ગરમાયું

બીજી તરફ, આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષ કોંગ્રેસે પાલિકા શાસકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલિભગત હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. વિપક્ષનું કહેવું છે કે હલકી ગુણવત્તાના કામને કારણે જ જનતાને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે. સત્તાધીશો માત્ર બેઠકો કરે છે પણ જમીની સ્તર પર કામગીરી શૂન્ય હોવાનો દાવો વિપક્ષે કર્યો છે. એક તરફ પાલિકા રોગચાળો રોકવા મથી રહી છે, ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચારના આરોપોએ તંત્રની મુશ્કેલીમાં વધારો કર્યો છે.


  • Follow us on: