વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીમાં પીએચડી (Ph.D.) કરી રહેલા એક અફઘાનિસ્તાની વિદ્યાર્થીનો તેના જ નિવાસસ્થાનેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. ફતેગંજ જેવા પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે પોલીસ અને યુનિવર્સિટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
અફઘાનિસ્તાની વિદ્યાર્થીનું રહસ્યમય મોત
મળતી વિગતો અનુસાર, 34 વર્ષીય અફઘાનિસ્તાની મૂળનો યુવાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર વિભાગમાં પીએચડી કરી રહ્યો હતો. તે ફતેગંજ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ભાડેથી એકલો રહેતો હતો. શનિવારે (10 જાન્યુઆરી) રાત્રિ દરમિયાન તેના રૂમમાં કોઈ હિલચાલ ન દેખાતા અને અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા સ્થાનિકોને શંકા ગઈ હતી. જ્યારે રૂમ તપાસવામાં આવ્યો ત્યારે યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતા જ સયાજીગંજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પંચનામું કરી તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા મૃતદેહને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો આપઘાતનો હોવાનું પોલીસ માની રહી છે, પરંતુ તે માટે કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે હજુ સુધી પુષ્ટિ થઈ નથી.યુવક અભ્યાસના ભાર હેઠળ હતો કે અંગત કારણોસર પરેશાન હતો, તે દિશામાં પોલીસ તેના મિત્રો અને યુનિવર્સિટીના પ્રોફેસરોની પૂછપરછ કરી રહી છે.
વિદેશી દૂતાવાસને જાણ કરાશે
વિદેશી વિદ્યાર્થીનું મોત હોવાથી પોલીસ દ્વારા જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આ અંગે અફઘાનિસ્તાની એમ્બેસી (દૂતાવાસ) ને પણ જાણ કરવામાં આવશે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ અને સમય સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: આઝાદ ચોક પાસે લાયસન્સ વગરના ગોડાઉનમાંથી 32.63 લાખના ફટાકડા જપ્ત