વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાની મુલાકાતે પહોંચતા શહેર ‘મોદીમય’ બન્યું હતું. વડોદરા પહોંચતા જ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે એક વિશાળ રોડ-શો યોજ્યો હતો. આ રોડ-શોની ખાસિયત એ હતી કે તેમાં પશ્ચિમ બંગાળની વિશેષ થીમ જોવા મળી હતી. બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના ભાગરૂપે બંગાળી મહિલાઓએ પરંપરાગત નૃત્ય રજૂ કરીને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. આ માહોલ જોઈને પીએમ મોદીએ પણ ભાવુક થતા કહ્યું હતું કે, "આપના કાર્યક્રમોમાં લાગે છે કે હું ઘરે આવ્યો છું."

સરદારધામ-3નું લોકાર્પણ અને 50 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

મુલાકાત દરમિયાન વડાપ્રધાને સરદારધામ ખાતે વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સરદારધામ-3ના ફેઝ-2 સંકુલનું લોકાર્પણ કર્યું, જેમાં વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક રહેણાંક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે પીએમ મોદીના હસ્તે સરદારધામ ખાતે 50 ફૂટ ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સંકુલ આગામી સમયમાં યુવાનોના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે.

સોમનાથ પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ અને સરદારનો સંકલ્પ

સરદારધામ ખાતે સભાને સંબોધતા પીએમ મોદીએ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "આજનો દિવસ કોઈ પૂણ્ય પર્વથી ઓછો નથી. સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાનો જે સંકલ્પ સરદાર પટેલે લીધો હતો, તે જ સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે તમામ લોકોએ ભેગા મળીને ઇતિહાસ રચ્યો છે. સોમનાથથી લઈને આજના નવા સંકલ્પો સુધીની ભારતની યાત્રામાં સરદાર પટેલના આદર્શો હંમેશા પ્રેરણારૂપ રહેશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો