વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં તસ્કરોએ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ ભેખડા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મધ્યરાત્રિએ ત્રાટકેલા તસ્કરો મકાનમાંથી આશરે 500 ગ્રામ ચાંદીના ઘરેણાં અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ એક લાખ રૂપિયાથી વધુની મતા ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓ સામે સવાલો ઉઠ્યા છે અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
શિનોર પોલીસ ઊંઘતી ઝડપાઈ
ચોરીની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં છ જેટલા તસ્કરો હથિયારો સાથે નજરે પડી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ એક રીઢા ચોરોની ગેંગ ઝડપાઈને જેલભેગી થઈ હતી, પરંતુ હવે બીજી નવી ગેંગ સક્રિય થઈ હોવાનું અનુમાન છે. સીસીટીવી ફૂટેજના આધારે શિનોર પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Palanpur કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્ટાફને બહાર કાઢી તપાસ તેજ