વડોદરા જિલ્લાની સાવલી પોલીસે એક મોટી સફળતા હાંસલ કરીને સરકારી યોજનાઓના નામે વૃદ્ધો અને વિધવા મહિલાઓને છેતરતી એક ઠગબાજ ગેંગનો પર્દાફાશ કર્યો છે. 'ઓપરેશન પરાક્રમ' અંતર્ગત પોલીસે કાર્યવાહી કરીને બે અનડિટેક્ટ (અજાણ્યા) ગુનાઓને ઉકેલી કાઢ્યા છે.


 બેન્ક સ્ટાફ બનીને છેતરતા

સાવલી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણ ઠગબાજ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફિરોઝ મલેક (રહે. વાંકાનેર, તા. સાવલી), સલીમ મલેક (રહે. વાંકાનેર, તા. સાવલી), આસિફ પઠાણ (રહે. ધુળેટા, તા. ઉમરેઠ) આ ત્રણેય આરોપીઓ વયોવૃદ્ધ અને વિધવા મહિલાઓને મુખ્યત્વે બેન્ક સ્ટાફ તરીકેની ખોટી ઓળખ આપીને છેતરતા હતા.

 છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

આ ગેંગની મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની પદ્ધતિ) ચોંકાવનારી હતી. તેઓ બેન્કમાં ચોરી-છૂપીથી વૃદ્ધા અને મહિલાઓના ફોટા લઈ લેતા હતા. આ ફોટા તેઓ પોતાના બહારના સાથીઓને મોકલી આપતા હતા. ત્યારબાદ, બેન્કમાંથી નીકળતી વૃદ્ધાઓને ટાર્ગેટ કરીને ખોટો મેસેજ બતાવીને પેન્શન કે અન્ય સરકારી યોજનાઓના નામે લોન અથવા લોકર ખોલવાના બહાને તેમની પાસેથી પૈસા, રોકડ, અને સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ જતા હતા.

 કબજે કરાયેલો મુદ્દામાલ અને અગાઉના ગુના

સાવલી પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ ₹1,93,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને એક બાઇકનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ વડોદરા સિટી અને છાણી પોલીસ મથકે પણ છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે.

આ પણ વાંચો:  રાધનપુર હાઈવે પર ભયંકર અકસ્માત, ડમ્પર પાછળ ટ્રેલર ઘૂસતાં ચાલકનું કમકમાટીભર્યું મોત


  • Follow us on: