વિતેલા 24 કલાકમાં વડોદરા શહેરમાં એક ઈંચ વરસાદ પડયો છે. જે સાથે સિઝનનો વરસાદ અઢી ઈંચ જેટલો થયો છે. હવે, આવતીકાલે હવામાન વિભાગે ઓરેન્જ વોર્નિંગ આપી છે. જેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તેવી આગાહી છે.

જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થઈ જાય છે, પરંતુ અત્યાર સુધી જોઈએ એવો વરસાદ વરસ્યો નથી. હવે તો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે, પરંતુ વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં હજુ જોઈએ એવો વરસાદ વરસ્યો નથી.

વિતેલા 24 કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જે સાથે સિઝનનો વરસાદ અઢી ઈંચ જેટલો થાય છે. ગઈ રાતથી છુટા છવાયા વરસતા ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગી હતી. એટલુ જ નહીં, આજે દિવસ દરમિયાન પણ શહેરમાં છુટા છવાયા ઝાપટા વરસતા રહ્યાં હતાં. જેને લઈને લાંબા સમયથી ગરમી અને ઉકળાટથી ત્રસ્ત થઈ ગયેલા શહેરીજનોએ આખરે હાશકારો અનુભવ્યો હતો.

આજે વાદળછાયા માહોલ વચ્ચે વરસેલા ઝાપટાના કારણે ગરમીનો પારો 1 ડિગ્રીની ગીરાવટ સાથે 30.6 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી ઘટીને 25.6 ડિગ્રી નોંધાયું હતું. હવાનું દબાણ 997.7 મિલીબાર્સ રહ્યું હતું. સવારના સમયે હવામાં ભેજનુ પ્રમાણ 89 ટકા અને સાંજે 74 ટકા રહ્યું હતું.

હજુ આવતીકાલ તા.5 જૂલાઈએ શહેરમાં ભારે અથવા ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે અને તેની સાથે જ ઓરેન્જ વોર્નિંગ જારી કરેલી છે. એ પછી તા.6 જુલાઈથી 10 જુલાઈ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો