ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને મધ્યકાલીન આખ્યાન પરંપરાને જીવંત રાખનારા વડોદરાના વયોવૃદ્ધ કલાકાર ધાર્મિકલાલ પંડ્યાને વર્ષ 2026ના 'પદ્મ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા છે. 86 વર્ષની જૈફ વયે પણ રણકતા અવાજે આખ્યાન પીરસતા ધાર્મિકલાલજીએ કવિ પ્રેમાનંદની સાડા ત્રણસો વર્ષ જૂની પરંપરાને આજે પણ ધબકતી રાખી છે.
વારસામાં મળેલી કળા અને 'માણ'નો મહિમા
આખ્યાન એટલે માત્ર કથા નહીં, પરંતુ સંગીત, અભિનય અને સાહિત્યનો ત્રિવેણી સંગમ. ધાર્મિકલાલજીને આ કળા તેમના પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી વારસામાં મળી છે. 1948માં ચુનીલાલજીના અવસાન બાદ એવું મનાતું હતું કે માણભટ્ટની પરંપરા લુપ્ત થઈ જશે, પરંતુ ધાર્મિકલાલજીએ માત્ર 25 વર્ષની ઉંમરે આ જવાબદારી ઉપાડી લીધી. 'માણ' એટલે તાંબાની ગાગર. સંસ્કૃતમાં તેને 'ગર્ગર' કહેવાય છે. હાથની દસેય આંગળીઓમાં વેઢ પહેરીને જ્યારે ધાર્મિકલાલજી આ તાંબાની માણ પર થાપ આપે છે, ત્યારે તબલા જેવા જ સૂરો રેલાય છે. આ કલામાં માત્ર વગાડવું જ નહીં, પણ રામાયણ, મહાભારત અને ઉપનિષદોનું ઊંડું જ્ઞાન હોવું પણ અનિવાર્ય છે.
3000 થી વધુ કાર્યક્રમો અને વૈશ્વિક ઓળખ
ધાર્મિકલાલ પંડ્યાએ અત્યાર સુધીમાં 3000 થી વધુ આખ્યાનો કર્યા છે. તેમની કલા માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેમણે અમેરિકા, કેનેડા, યુ.કે. અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ માણભટ્ટની કલાનો પ્રસાર કર્યો છે. તેમની પ્રતિભાના પ્રશંસકોમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, શીલા દીક્ષિત અને કનૈયાલાલ મુનશી જેવા દિગ્ગજોનો પણ સમાવેશ થાય છે.
નવી પેઢી અને પડકારો
ધાર્મિકલાલજી જણાવે છે કે આ કલા શીખવા માટે 8 થી 9 વર્ષનો સમય અને અત્યંત ધીરજ (Patience) જરૂરી છે. આજની પેઢીમાં ધીરજનો અભાવ છે, છતાં તેમને ખુશી છે કે તેમના પુત્રો પ્રદ્યુમન અને મયંક તેમજ તેમના પૌત્રો પણ આ પરંપરામાં રસ લઈ રહ્યા છે. વડોદરામાં તેમની સંગીતશાળા દ્વારા આ વિરાસતને આગળ ધપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સન્માન અને ઉપલબ્ધિઓ
વર્ષ 2026: પદ્મ એવોર્ડથી સન્માનિત. 1983 રાષ્ટ્રીય સંગીત નૃત્યકલા અકાદમીનો 'ગૌરવ પુરસ્કાર'. ઓલ ઇન્ડિયા રેડિયો પાસે તેમના આખ્યાનોનું 7 કલાકથી વધુનું અમૂલ્ય રેકોર્ડિંગ સચવાયેલું છે. ધાર્મિકલાલ પંડ્યાને મળેલો આ પદ્મ એવોર્ડ એ માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પરંતુ ગુજરાતની વિસરાતી જતી આખ્યાન કલા અને સંસ્કૃતિનું સન્માન છે.
આ પણ વાંચો: Padma Awards 2026 : ગૌડા-ભટ્ટ-રાયકર અને અન્ય લોકોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા, ગુમ થયેલા નાયકોને મળ્યો એવોર્ડ