વડોદરાના રાવપુરા વિસ્તારના વોર્ડ નંબર 2 અને 7 માં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા રોડ અને ગટરના કામમાં થયેલી બેદરકારી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડ બનાવ્યા બાદ પણ આજુબાજુના ખાડાઓ યથાવત રહેતા રહીશોમાં આક્રોશ ફેલાયો છે.


રાવપુરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રોષ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટરે માત્ર રોડ બનાવીને સંતોષ માન્યો છે, પરંતુ રોડની બંને બાજુના ખાડા પૂરવામાં બેદરકારી દાખવી છે. આનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે રોડ બન્યા બાદ બે-બે વખત ગટરની કામગીરી કરવામાં આવી છે. પહેલાં રોડ બનાવ્યો, પછી ગટરો ખોલવામાં આવી. આ કામગીરી માટે ગટરો ખોલીને કપચી અને ડામરથી મરામત કરવામાં આવી હતી. જોકે, કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ ફરીથી ડામર ઉખેડી નાખીને તે જગ્યાએ સિમેન્ટ પાથર્યો હોવાનો આક્ષેપ છે. આ પ્રકારની વારંવારની અને અવ્યવસ્થિત કામગીરીને કારણે સરકારી તિજોરીનો અને નાગરિકોના સમયનો વ્યય થયો છે.

રોડ બનાવ્યા બાદ 2 વખત ગટરની કામગીરીનો આક્ષેપ

શીયાબાગ પોલીસ ચોકીની ગલી સહિત વોર્ડ નંબર 7 ના વિસ્તારમાં કોન્ટ્રાક્ટરે 'લોલમલોલ' કામગીરી કરી હોવાના સીધા આક્ષેપો છે. એક જ કામ બે વખત કરવું અને ગુણવત્તા જાળવવામાં નિષ્ફળ રહેવું એ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી દર્શાવે છે.રાવપુરાના સ્થાનિકોએ આક્રોશ ઠાલવતા વેધક સવાલ કર્યો છે કે, "જો આવી જ બેદરકારીભરી કામગીરી થાય, તો વડોદરા શહેર ક્યાંથી આગળ આવશે?" સ્થાનિકોની માંગ છે કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને રોડ-ગટરનું કામ યોગ્ય ગુણવત્તા સાથે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીના ચમકારાથી આંશિક રાહત, પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો

  • Follow us on: