ડેસર : સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલ પર્વતસિંહ સોલંકીએ પોતાના ધનતેજ ગામ સ્થિત નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, પ્રફુલ પર્વતસિંહ સોલંકી પોતાના ધનતેજ ગામ સ્થિત નિવાસસ્થાને મૃત હાલતમાં મળ્યાં હતા. પરિવાર દ્વારા ઘટનાની જાણ કરાતાં ડેસર પોલીસનો કાફ્લો સ્થળ પર દોડી આવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે આપઘાત પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે પરિવારજનો, નજીકના મિત્રો તેમજ પરિચિતોના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનાને લગતા તમામ પાસાઓની તપાસ ચાલું છે. પ્રફુલ સોલંકી ભાજપના સક્રિય યુવા આગેવાન તરીકે ઓળખાતા હતા. તાલુકા સ્તરે પક્ષના વિવિધ કાર્યક્રમોમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. તેમના અચાનક નિધનના સમાચારથી ભાજપ કાર્યકરો, શુભેચ્છકો અને સ્થાનિક નાગરિકોમાં શોકની લાગણી વ્યાપી છે. પરંતુ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકતો સામે આવશે. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી CHC ખાતે ખસેડાયો હતો. જો કે આ લખાય છે ત્યાં સુધી સત્તાવાર કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: